ટ્રસ્ટનો ઇતિહાસ


સને ૧૯૫૨માં રાધનપુર કેળવણી મંડળની સ્થાપના થઇ. શરૂઆતના ૨૦ વર્ષ રાધનપુર સમિતિ અને મુંબઇ સમિતિ એમ બે સમિતિઓ હતી. સને ૧૯૭૨ માં વહીવટ મુંબઇ ખાતે લાવવામાં આવ્યો ત્યારથી વહીવટ મુંબઇથી થાય છે. આમ રાધનપુર કેળવણી મંડળ છેલ્લા ૬૫ વર્ષથી રાધનપુરમાં શાળાનું સંચાલન કરે છે. સંસ્થાના પ્રેરણામૂર્તિ અને પૂજ્ય ગાંધીજીના અનન્ય મૂક સેવક તેમજ પ્રાતઃ સ્મરણીય યોગીપુરૂષ સ્વ.પૂજ્ય રવિશંકર મહારાજની પ્રેરણા અને આશીર્વાદથી છેલ્લા ૬૫ વર્ષથી સંસ્થાનું સફળતાપૂર્વક સંચાલન કરવામાં આવે છે. આપણી શાળા બનાસકાંઠા જિલ્લાની ચાર જુનામાં જુની માધ્યમિક શાળા પૈકીની છે. સને-૧૯૫૩ થી સરકારશ્રીએ શાળાનો વહીવટ રાધનપુર કેળવણી મંડળને વાર્ષિક રૂા.૧૦/- ના ટોકન ભાડાથી સરકારી મકાન અને કમ્પાઉન્ડની જમીન સાથે સોંપ્યો. સંસ્થા સંચાલિત શાળા ૧૦૬ વર્ષ જૂની છે અને પાટણ જિલ્લામાં સંખ્યાની દ્રષ્ટિએ પ્રથમ ક્રમમાં આવે છે. સંસ્થાએ શાળાનું સંચાલન સંભાળ્યુ ત્યારે શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા ૧૬૫ હતી. અત્યારે પ્રાથમિક વિભાગના ધોરણ ૧ થી ૮ ના ૧૯ વર્ગ , માધ્યમિકવિભાગના ધોરણ ૯ અને ધોરણ ૧૦ના ૧૪ વર્ગ તેમજ ઉચ્ચતર માધ્યમિક વિભાગના ધોરણ ૧૧ અને ૧૨ ના ૮ વર્ગો મળી કુલ ૩૯ વર્ગોમાં૨૨૨૭થી વધારે સંખ્યા છે જેમાં ૭૯૧ કન્યાઓ છે. આ વિદ્યાર્થી સંખ્યામાં રાધનપુરના સ્થાનિક વિદ્યાર્થીઓ ઉપરાંત આજુબાજુના ૩૫ ગામડા જ્યાં માધ્યમિક શાળા નથી તે ગામડાંના વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓનો સમાવેશ થાય છે. વિદ્યાર્થી સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થતા સંસ્થાએ દાતા-શુભેચ્છકોના ઉમદા સહયોગથી સને ૧૯૬૦માં ૧૬ વર્ગખંડનું મોટુ મકાન બનાવ્યુ ત્યારબાદ વાણિજ્ય ભવનનું નિર્માણ થયુ. સને ૧૯૬૪માં શેઠ કે.બી.વકીલ વિવિધલક્ષી વિદ્યાલય નામકરણ કરવામાં આવ્યું. શાળામાં બાળકો માટે શૈક્ષણિક રીતે ઉપયોગી ૧૯૭૦૦ પુસ્તકો ધરાવતું સમૃધ્ધ પુસ્તકાલય છે. પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક વિભાગનાં ત્રણ અદ્યતન કોમ્પ્યુટર સેન્ટર છે. વોટરકુલરની સગવડતા સાથેનાં બાળકોને પીવાના પાણીની ત્રણ જલધારાઓ છે. ૨૬ જાન્યુઆરી ૨૦૦૧ના રોજ ગુજરાત- કચ્છના વિનાશક ભૂકંપ વખતે અસરગ્રસ્તોને રાહત કેમ્પ સંસ્થા સંચાલિત શાળાના પ્રાગંણમાં શરૂ કરેલ હતુ. સંસ્થાના સ્થાપક વડીલોના વતન પ્રત્યેનું ઋણ ચૂકવવાના ઉમદા અભિગમને ધ્યાનમાં રાખીને રાધનપુર પ્રદેશમાં બાળકોને ઉંચી ગુણવત્તાવાળું પ્રાથમિક-માધ્યમિક-ઉચ્ચ માધ્યમિક શિક્ષણ એક જ શાળામાં મળી શકે તે હેતુથી જૂન-૨૦૧૨થી શાળામાં પ્રાથમિક વિભાગના ધોરણ-૬, ૭ અને ધોરણ-૮ના વર્ગો શરૂ કરવામાં આવેલ. પ્રાથમિક શાળા વિદ્યાભવનના નવા મકાનનું નિર્માણ થવાથી જૂન-૨૦૧૬થી શાળામાં ધોરણ-૧ થી ધોરણ-૫ ના વર્ગો શરૂ કરવામાં આવેલ.આમ, અત્યારે પ્રાથમિક શાળામાં ધોરણ-૧ થી ધોરણ-૮ના ૧૯ વર્ગો ચાલે છે. જેમા ૫૮૬ વિદ્યાર્થીઓ અને .૩૨૭ વિદ્યાર્થીનીઓ મળી કુલ . ૯૧૩ બાળકો અભ્યાસ કરે છે. દાતા શુભેચ્છકોના ઉમદા સહયોગથી નિર્માણ થયેલ પ્રાથમિક શાળા વિદ્યાભવનના શિલાન્યાસનો કાર્યક્રમ શનિવાર તા.૧૬/૦૨/૨૦૧૩ના રોજ ભવ્યતાથી ઉજવવામાં આવેલ અને નૂતન વિદ્યાભવનના ઉદઘાટનનો કાર્યક્રમ સોમવાર તા.૧૮/૦૧/૨૦૧૬ના રોજ દાતા શ્રી માનવંતા શ્રીમતી વિમળાબેન સેવંતીલાલ મોરખીયાના વરદ હસ્તે કરવામાં આવેલ. પ્રાથમિક શાળા વિદ્યાભવનના ગ્રાઉન્ડ પટલ તથા બીજા માળ મળી ૨૭૦૦૦ ચોરસ ફૂટનું છે. જેમાં ૨૪ ક્લાસરૂમ, ૨૫૦૦ ચોરસ ફૂટનો હોલ, કોમ્પ્યુટર લેબ, સાયન્સ લેબોરેટરી, આચાર્ય તથા સ્ટાફ ઓફિસ અને કોન્ફરન્સ રૂમનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ત્રીજે માળે ૯૦૦૦ ચોરસ ફૂટનો વિશાળ ડોમ આકારનો પ્રાથના હોલ બનાવેલ છે.દાતા-શુભેચ્છકોના ઉમદા સહયોગથી પ્રાથમિક શાળા વિદ્યાભવન નિર્માણનું સ્વપ્ન સાકાર થયુ છે. પ્રાથમિક શાળાને શેઠ શ્રી કાન્તીલાલ ઇશ્વરલાલ મોરખીયા પ્રાથમિક શાળા અને વિદ્યાભવનને શ્રીમતી વિમળાબેન સેવંતીલાલ મોરખીયા વિદ્યાભવન નામકરણ કરવામાં આવેલ છે.

';